ધોરણ 10 | విષય: SocialScience
ગરીબીરેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે:
ભોજન અને રહેઠાણ: જે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન મળતું ન હોય અને રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય તેમજ ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય.
આવક અને આયુષ્ય: જેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય અને તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યદરથી પણ ઓછું હોય.
શિક્ષણ અને આરોગ્ય: જેઓ મોટેભાગે નિરક્ષર હોય અને સતત પોષણક્ષમ આહારના અભાવે નાના-મોટા રોગોથી પીડાતા હોય.
બાળકોની સ્થિતિ: જેમનાં બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામધંધે જવા મજબૂર થવું પડતું હોય અને કુપોષણના લીધે બાળકોમાં બાળમૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય.
ગરીબીનાં મૂળિયાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલાં છે, તેનાં મુખ્ય કારણો નીચે મુજબ છે:
કૃષિ ક્ષેત્રની નબળાઈ: કૃષિક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો થવો અને ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ હોવો.
જ્ઞાન અને તાલીમનો અભાવ: ગ્રામીણક્ષેત્રે અન્ય રોજગારી માટે જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમનો અભાવ હોવો.
સામાજિક ખર્ચાઓ અને નિરક્ષરતા: જ્ઞાતિપ્રથા, રૂઢિઓ અને પરંપરાઓના કારણે રીતરિવાજો પાછળ ગજા ઉપરાંતના બિનઉત્પાદકીય ખર્ચા કરવાથી લોકો દેવામાં ડૂબે છે. ઉપરાંત, નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી તેઓ શોષણ અને અન્યાયનો ભોગ બને છે તેમજ સરકારી યોજનાઓની માહિતી મેળવી શકતા નથી.
ખામીયુક્ત નીતિઓ અને ભાવોમાં વધારો: આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની ઉપેક્ષા થઈ. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખાદ્યપાકોનું ઉત્પાદન ઘટ્યું, જેથી અનાજ-કઠોળની અછત સર્જાઈ અને ભાવો વધ્યા.
ઔદ્યોગિક બદલાવ અને વસતીવૃદ્ધિ: ટેક્નોલૉજીમાં ફેરફારો આવતાં પરંપરાગત વ્યવસાયો અને કુટિર ઉદ્યોગો પડી ભાંગ્યા. બીજી તરફ વસતીવૃદ્ધિ દર વધ્યો અને શ્રમનો પુરવઠો વધતા બેકારી અને ગરીબાઈમાં વધારો થયો.
બેરોજગારીની સમસ્યાને હલ કરવા માટે સરકારે લીધેલા અને સૂચવેલા અસરકારક ઉપાયો નીચે મુજબ છે:
આર્થિક વૃદ્ધિ દર અને મૂડીરોકાણ: ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10 ટકા જેટલો ઊંચો રાખવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવો. જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણ વધારીને રોજગારીની નવી તકોનું સર્જન કરવું.
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ: નાના અને લઘુ ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હાથશાળ અને હસ્તકલા કારીગરી જેવા શ્રમપ્રધાન ક્ષેત્રોનો વિકાસ હાથ ધરવો અને તેને પ્રોત્સાહન આપવું.
ગ્રામીણ રોજગારીનું આયોજન: ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે એકથી વધુ વખત પાક લેવાની પદ્ધતિ વિકસાવવી. નાની-મોટી સિંચાઈ યોજનાઓ, ડેમો, ચેકડેમ અને સડકોના બાંધકામ જેવી પ્રવૃત્તિઓ તેમજ પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્ય ઉછેરને વેગ આપવો જેથી ગ્રામીણ લોકોનું સ્થળાંતર અટકે.
ગુણવત્તાયુક્ત માનવ વિકાસ: ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય, શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી અને ઇન્ટરનેટ જેવી સવલતો વધારવી.
વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ: શિક્ષિત બેરોજગારી ઘટાડવા માટે શિક્ષણને ઉદ્યોગોની સ્થાનિક જરૂરિયાત અનુકૂપ બનાવવું. યુવાનોમાં વિશિષ્ટ કૌશલ્યનો વિકાસ કરવા સરકાર દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્કીલ ઇન્ડિયા’ અને ‘ડીજીટલ ઇન્ડિયા’ જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશભરમાં આઇ.આઇ.ટી. (IIT) અને આઇ.આઇ.એમ. (IIM) જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે.
નવાં ક્ષેત્રોનો વિકાસ: કમ્પ્યુટર ટેક્નોલૉજી, ઇન્ફર્મેશન ટેક્નોલૉજી, ફાર્માક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, માર્કેટીંગ અને હોટલ મેનેજમેન્ટ જેવા નવા ક્ષેત્રોને અનુરૂપ ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવા.
સરકારે ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે નીચે મુજબના પગલાં ભર્યાં છે:
આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ (અગાઉનો આશાવાદ): આઝાદી પછી સરકારે ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂક્યો હતો જેથી શહેરો વિકસે અને ગ્રામીણ ક્ષેત્રે 'હરિયાળી ક્રાંતિ' આવે. એવો આશાવાદ હતો કે ધનિકોની આવકનો લાભ ક્રમશઃ ગરીબો સુધી પહોંચશે (પરંતુ આવકની અસમાન વહેંચણીના કારણે આ આશાવાદ ઠગારો નીવડ્યો).
કરવેરા નીતિ અને જાહેર વિતરણ પ્રણાલી (PDS): આવકની અસમાનતા દૂર કરવા સરકારે ધનિકોની મોજશોખની વસ્તુઓ અને આવક પર ઊંચા દરે કરવેરા લાધ્યા. જ્યારે ગરીબોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે માટે 'વાજબી ભાવની દુકાનો' (FPSS) દ્વારા રાહતદરે અનાજ અને અન્ય સામગ્રી પૂરી પાડવાનો વ્યૂહ અપનાવ્યો.
જમીનધારા સુધારાના ઉપાયો: જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન અને ખેડહકની સલામતી જેવા કાયદાઓ ઘડીને જમીનવિહોણા અને ખેતમજૂરોની આવકમાં વધારો કરવાનો વ્યૂહ અપનાવાયો.
ગૃહ અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન: પશુપાલન, ડેરી ઉદ્યોગ અને હાથશાળ જેવા પરંપરાગત વ્યવસાયો માટે પ્રોત્સાહક નીતિઓ અને આર્થિક સહાય જાહેર કરવામાં આવી. ગ્રામીણ યુવકોમાં રોજગારલક્ષી ક્ષમતા વધારવા તાલીમ આપવાના પ્રબંધો કરાયા.
ગ્રામીણ માળખાકીય સુવિધાઓનો વિકાસ: ‘ગ્રામોદયથી ભારત ઉદય’ ના કાર્યક્રમ દ્વારા ગામડાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, સસ્તા ધિરાણ માટે બેંકલોન અને સ્કોલરશિપ જેવી સુવિધાઓ ઊભી કરીને ગ્રામોદ્ધાર તરફ નક્કર પગલાં લેવાયાં.
ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીનાં મુખ્ય 6 સ્વરૂપો જોવા મળે છે:
ઋતુગત (મોસમી) બેરોજગારી: ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો અને વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતો કે શ્રમિકોએ વર્ષમાં 3 થી 5 માસ કામ વિના બેરોજગાર રહેવું પડે તેને ઋતુગત બેરોજગારી કહે છે.
ઘર્ષણજન્ય બેરોજગારી: જૂની ટેકનોલૉજીના સ્થાને જ્યારે નવી ટેક્નોલૉજી આવે ત્યારે શ્રમિકોએ નવી ટેક્નોલૉજી શીખવા માટે અમુક સમય માટે કામ વિનાનું રહેવું પડે છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે.
માળખાગત બેરોજગારી: ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓના અભાવના કારણે આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે.
પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી: કોઈ કામ-ધંધામાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, અને આ વધારાના શ્રમિકોને ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવા છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ફેર ન પડે, તો તે વધારાના શ્રમિકો છૂપા બેરોજગાર કહેવાય છે.
ઔદ્યોગિક બેરોજગારી: ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારો, તેજી-મંદી કે અન્ય કારણોસર વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડે તેને ઔદ્યોગિક બેરોજગારી કહે છે.
શિક્ષિત બેરોજગારી: જે વ્યક્તિએ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને છતાં તે બેરોજગાર હોય, તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે.
મા અન્નપૂર્ણા યોજના: આ યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને BPL પરિવારોને કુટુંબદીઠ પ્રતિમાસ 35 કિગ્રા અનાજ મફતમાં આપવાનું શરૂ કર્યું છે. તેમજ ગરીબ મધ્યમવર્ગના પરિવારોને સસ્તાદરે પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિગ્રા અનાજ (ઘઉં ₹ 2 પ્રતિ કિલો અને ચોખા ₹ 3 પ્રતિ કિલો) વાજબી ભાવની દુકાનો દ્વારા આપીને અન્ન સુરક્ષા બક્ષી છે.
જાહેર વિતરણ પ્રણાલી (PDS): સરકારે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો માટે વાજબી ભાવની દુકાનો (FPS) દ્વારા પ્રતિમાસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું અને કેરોસીન રાહતદરે પૂરું પાડી સામાજિક અને આર્થિક ટેકો આપ્યો છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના: કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો આપવા પાકના નુકસાન સામે વળતર અને ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ આપીને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.
નિરપેક્ષ ગરીબી: સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ લઘુત્તમ બજાર ભાવે પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય, તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય.
સાપેક્ષ ગરીબી: સમાજના જુદા જુદા આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય જૂથ કરતાં ઓછી આવક મેળવતો હોય, તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોમાં વધુ પ્રચલિત છે.