ધોરણ 11 | విષય: Grahvigan
(૧) શાકભાજીમાંથી કયાં કયાં પોષક ઘટકો વધુ મળી રહે છે?
ઉત્તર: શાકભાજીમાંથી સામાન્ય રીતે પ્રોટીન, કાર્બોદિત, ખનિજ દ્રવ્યો અને વિટામિનો મળી રહે છે.
(૨) કયા પ્રકારનાં શાકભાજી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે?
ઉત્તર: રેસાવાળાં શાકભાજી અને ફળો પાચનક્રિયા તથા ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે.
(૩) દવાઓથી પકવેલાં ફળોમાં તેની ગુણવત્તા પર શી અસર થાય છે?
ઉત્તર: દવાઓથી પકવેલાં ફળોની કુદરતી મીઠાશ અને પોષણમૂલ્ય ઘટી જાય છે.
(૪) કિચન ગાર્ડનિંગ એટલે શું?
ઉત્તર: મકાન કે બંગલાના આંગણામાં, પાછળના વાડામાં, અગાશી પર કે ઉપલબ્ધ ફાજલ જમીનમાં તાજાં શાકભાજી અને ફળ-વૃક્ષો ઉગાડી જે બાગ બનાવવામાં આવે તેને 'કિચન ગાર્ડનિંગ' (પોષક આહારબાગ) કહે છે.
(૫) વર્મીકાસ્ટ એટલે શું?
ઉત્તર: અળસિયાં પોતાના શરીરમાંથી જે હગાર (મળ) બહાર કાઢે છે તેને 'વર્મીકાસ્ટ' કહે છે.
(૬) અળસિયા ઉછેરને શું કહે છે?
ઉત્તર: અળસિયા ઉછેરને 'વર્મીકલ્ચર' અથવા અળસિયાં દ્વારા ખાતર બનાવવાની ક્રિયાને 'વર્મી કમ્પોસ્ટિંગ' કહે છે.
(૭) વર્મી કમ્પોસ્ટ એટલે શું?
ઉત્તર: કચરો, પાકના અવશેષો અને છાણ વગેરેને અળસિયાં મારફતે પચાવીને તૈયાર કરવામાં આવતા ઉત્તમ કક્ષાના સેન્દ્રિય ખાતરને 'વર્મી કમ્પોસ્ટ' કહે છે.
આર્થિક લાભ: તાજાં શાકભાજી અને ફળો ઘરઆંગણે મળવાથી શાકભાજીનો ખર્ચ બચે છે અને ઘરખર્ચમાં મોટી રાહત થાય છે.
તાજો અને ઝેરમુક્ત આહાર: કેમિકલ કે ગટરના પાણીથી મુક્ત એવાં પોષક, તાજાં અને આરોગ્યપ્રદ શાકભાજી અને ફળો સરળતાથી પ્રાપ્ત થાય છે.
બગાડનો સદુપયોગ: મકાનની આજુબાજુની ફાજલ જમીન તેમજ રસોડાના નકામા પાણીનો યોગ્ય ઉપયોગ થાય છે.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય: ગાર્ડનમાં કામ કરવાથી વધારાની ચરબી ઘટે છે. આજુબાજુ લીલોતરી રહેવાથી વાતાવરણ શુદ્ધ બને છે અને મન પ્રસન્ન રહે છે.
સમય અને શક્તિની બચાવ: બજારમાં ખરીદી કરવા જવાનો સમય અને શક્તિ બચે છે.
સામાજિક સંબંધો: વધારાનાં શાકભાજી પડોશીઓ કે મિત્રોને આપીને સબંધો સુધારી શકાય છે તથા જરૂરિયાતમંદ કુટુંબો વેચાણ કરીને વધારાની આવક પણ મેળવી શકે છે.
હવામાન, ઋતુ (ખરીફ, રવી, ઉનાળુ) અને વિસ્તાર પ્રમાણે શાકભાજીના પાકની પસંદગી કરવી.
કિચન ગાર્ડનની જગ્યાએ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે.
રીંગણ, મરચી, ટામેટી, કોબીજ જેવા પાકના ધરુ ઉછેરીને વાવણી કરવી.
ટીંડોળા, પરવળ જેવા પાક માટે મંડપ બનાવવો અને વેલાવાળાં શાકભાજીને ઝાડ કે ફેન્સિંગ પર ચડાવવા.
છાંયાયુક્ત જગ્યામાં અળવી, ધાણા, મેથી, પાલક, આદું જેવા પાક લેવા.
ક્યારાનું આયોજન એ રીતે કરવું જેથી એક ઋતુ પૂરી થતાં જ બીજી ઋતુના પાક વાવી શકાય.
ખૂણામાં બાગના કચરામાંથી ખાતર બનાવવા માટે નાનો 'કમ્પોસ્ટ પીટ' (ખાડો) બનાવવો.
પૂરતી જગ્યા હોય તો પપૈયા, સરગવો, લીંબુ કે કેળ જેવાં ઝાડ વાવવાં.
બગીચાકામ માટે ખૂરપી, કોદાળી, દાતરડી, પંજેઠી જેવાં જરૂરી નાનાં સાધનો રાખવાં.
કમ્પોસ્ટ ખાતર વાપરવાથી જમીનનું ભૌતિક બંધારણ અને પોત સુધરે છે.
જમીનમાં હવા અને પાણીની અવરજવર વધે છે, જેથી જમીનની ફળદ્રુપતા અને નિતારશક્તિ વધે છે.
છોડને જરૂરી મુખ્ય, ગૌણ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો સહેલાઈથી મળી રહે છે.
જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાંની પ્રવૃત્તિમાં વધારો થાય છે.
જમીનમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે અને ફૉસ્ફરસની લભ્યતા વધે છે.
જમીનની ઉત્પાદકતા કાયમી જળવાય છે અને વાતાવરણનું પ્રદૂષણ ઘટે છે.
અળસિયાં દ્વારા નકામા સેન્દ્રિય કચરાનું ઉત્તમ ખાતરમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. અળસિયાં દરરોજ પોતાના વજન કરતાં દોઢ ગણી માટી અને કચરો ખાય છે અને જે હગાર બહાર કાઢે છે તેને 'વર્મીકાસ્ટ' કહે છે. વર્મીકાસ્ટમાં સામાન્ય માટી કરતાં 5 ગણો નાઇટ્રોજન, 7 ગણો ફૉસ્ફરસ, 11 ગણો પોટાશ, 3 ગણો મૅગ્નેશિયમ અને વિપુલ પ્રમાણમાં સૂક્ષ્મ તત્ત્વો હોય છે, જે છોડના મૂળ ખૂબ જ સરળતાથી ગ્રહણ કરી શકે છે. ઘરઆંગણે વાડામાં કે કુંડા/ખોખામાં શાકભાજીનો કચરો, ઘાસ-પાંદડાં અને અળસિયાં નાખી ભેજ જાળવી રાખવાથી ઉત્તમ વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થાય છે, જે છોડના ઝડપી અને તંદુરસ્ત વિકાસ માટે અત્યંત ફાયદાકારક છે.
અળસિયાં જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધારવામાં કુદરતી એન્જિનિયર તરીકે કામ કરે છે:
પોષકતત્ત્વોથી ભરપૂર હગાર: અળસિયાંની હગારમાં (વર્મીકાસ્ટ) સામાન્ય માટી કરતાં 5 ગણો નાઇટ્રોજન, 7 ગણો ફૉસ્ફરસ, 11 ગણો પોટાશ અને 3 ગણો મૅગ્નેશિયમ હોય છે, જે છોડ માટે સંજીવની સમાન છે.
કુદરતી ખેડાણ: એક અળસિયું દિવસમાં 8 થી 10 વખત જમીન પર આવે છે અને 16 થી 20 કાણાં પાડે છે. આનાથી જમીન કુદરતી રીતે ખેડાઈને છિદ્રાળુ અને પોચી બને છે.
હવા અને પાણીનું પરિભ્રમણ: કાણાં પડવાથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને પાણી સહેલાઈથી ઉતરે છે, જેથી જમીનમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે છે. આમ, અળસિયાં કોઈ પણ ખર્ચ વગર જમીનનું પોત સુધારી પાકનું ઉત્પાદન વધારે છે, તેથી તેમને "ખેડૂતના મિત્ર" કહેવામાં આવે છે.