ધોરણ 11 | విષય: Samajshastra
પર્યાવરણનો અર્થ:
'પર્યાવરણ' શબ્દ પરિ + આવરણ એમ બે શબ્દોનો બનેલો છે. 'પરિ' એટલે આસપાસનું અને 'આવરણ' એટલે સ્તર, અર્થાત્ પૃથ્વીની આસપાસનું સ્તર.
સામાન્ય અર્થ: માનવીની આસપાસ રહેલી ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ.
પર્યાવરણ સુરક્ષાધારા મુજબ: પાણી, હવા, જમીન, માનવી અને અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતરસંબંધોનો જેમાં સમાવેશ થાય તે પર્યાવરણ.
પર્યાવરણનાં મુખ્ય તત્ત્વો: પર્યાવરણના તત્ત્વોને મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય છે:
જૈવિક (Biotic) / સજીવ તત્ત્વો: જેમાં વનસ્પતિ (વૃક્ષો), પ્રાણીઓ (પશુ, પંખી, માનવી) અને ફૂગ-કીટાણુઓનો સમાવેશ થાય છે.
G (Generator - સર્જક): વનસ્પતિ જે ઑક્સિજન, ફળ, અનાજ વગેરેનું સર્જન/ઉત્પાદન કરે છે.
O (Operator - સંચાલક): પ્રાણીઓ જે વનસ્પતિ પર નભે છે અને પોતાના મલ-મૂત્ર વગેરે દ્વારા આગળની શૃંખલા ચલાવે છે.
D (Decomposer - સંહારક): ફૂગ-કીટાણુઓ જે જમીનમાં ખાતર અને ફળદ્રુપતા સર્જે છે.
અજૈવિક (Abiotic) / નિર્જીવ તત્ત્વો: જેમાં પંચમહાભૂત—અગ્નિ, જળ, વાયુ, જમીન (પૃથ્વી) અને આકાશનો સમાવેશ થાય છે.
પર્યાવરણના મુખ્યત્વે ચાર ઘટકો છે, જે પરસ્પર ગાઢ રીતે જોડાયેલા છે:
વાતાવરણ (Atmosphere): વાતાવરણ પૃથ્વીની સપાટી પર સુરક્ષા કવચ બનાવે છે. તેમાં હવા અને તેના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. તે એક જટિલ અને ગતિશીલ તંત્ર છે.
મૃદાવરણ / ભૂમિઆવરણ (Lithosphere): તેમાં જમીનની સપાટી તથા ભૂમિના આકાર-પ્રકારનો સમાવેશ થાય છે. મૃદાવરણ ખડકોના વિસર્જનમાંથી બને છે. તેમાં મુખ્યત્વે કાર્બનિક (5%) અને અકાર્બનિક (95%) દ્રવ્યો હોય છે. મૃદાના ઉપલા સ્તરને હ્યુમસ કહે છે.
જલાવરણ (Hydrosphere): પૃથ્વીની સપાટીના ત્રણ ચતુર્થાંશ (3/4) ભાગમાં ફેલાયેલું છે. તેમાં મહાસાગરો, નદીઓ, સરોવર અને ભૂગર્ભ જળનો સમાવેશ થાય છે. 97% ભાગ સાગરમાં છે, 2% બરફ સ્વરૂપે છે અને માત્ર 1% ભાગ જ વાપરવા યોગ્ય મીઠું પાણી છે.
જૈવિક આવરણ (Biosphere): સમુદ્રના નીચલા તળથી વાતાવરણની ઊંચાઈ સુધી લગભગ 24 કિમીનું આ આવરણ છે. તેમાં હવા, પાણી, ખડકો અને માટી હોવાથી પ્રાકૃતિક રીતે જીવન શક્ય બન્યું છે.
માનવજીવન પર પર્યાવરણની અસરો નીચે મુજબ છે:
સ્થાનિક સંબંધ: દેશ કે સમાજ પૃથ્વીના કયા ભાગમાં છે (સ્થિતિ, કદ, આકાર) તેના પર તેનો વિકાસ આધાર રાખે છે. અક્ષાંશથી આબોહવા, કુદરતી સંપત્તિ અને જીવનશૈલી નક્કી થાય છે.
જમીન અને માનવજીવન: પર્વતીય ક્ષેત્રના લોકો ગીચતા અને પ્રદૂષણથી મુક્ત રહે છે. જમીનનું સ્વરૂપ લોકોના રોજિંદા ખોરાક, દેખાવ અને જીવનશૈલીને અસર કરે છે.
જળ અને માનવજીવન: પીવા, દૈનિક કાર્યો, ખેતી, ઉદ્યોગો અને મત્સ્યઉદ્યોગ માટે જળ અનિવાર્ય છે. મહાસાગરો અને નદીઓની આસપાસ વિવિધ માનવ સંસ્કૃતિઓનો વિકાસ થયો છે.
માટી, ખનીજ અને માનવજીવન: જમીનની ફળદ્રુપતા અને માટીના પ્રકાર મુજબ ખેતીના પાક (જેમ કે શણ, નાળિયેરી, સૂતર) લેવાય છે. ઉપરાંત ચૂનાના પથ્થર, બોક્સાઇટ, સોનું, ચાંદી જેવા ખનીજો ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.
માનવીએ પોતાની બુદ્ધિ અને ટેક્નોલૉજી દ્વારા પર્યાવરણ પર નીચે મુજબની ગંભીર અસરો કરી છે:
જમીન પર પ્રભાવ: વસ્તી વધતાં પર્વતો તોડી રસ્તા બનાવ્યા અને કુદરતી સંસાધનોનો નાશ કરીને રહેઠાણો બનાવ્યા, જેનાથી જમીનની ગુણવત્તા ઘટી.
નિવસનતંત્ર પર અસર: કચરો અને પ્રદૂષિત પાણી દરિયામાં ઠાલવવાથી દરિયાઈ સૂક્ષ્મ જીવો નાશ પામે છે.
ઋતુચક્ર પર અસર: ઔદ્યોગિકીકરણથી હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધતાં ઋતુચક્ર બદલાયું છે; ચોમાસામાં ગરમી કે શિયાળામાં વરસાદ જેવી સ્થિતિ સર્જાય છે.
વાયુમંડળ પર અસર: વાયુ પ્રદૂષણ, ઓઝોન સ્તરમાં ગાબડું, ગ્રીન હાઉસ ઈફેક્ટ અને તેજાબી વરસાદ (ઍસિડ-વર્ષા) જેવી સમસ્યાઓ ઉદ્ભવી છે.
આરોગ્ય પર અસર: પ્રદૂષિત પર્યાવરણને કારણે માનવી શ્વસનતંત્ર, કેન્સર, ચામડીના રોગો અને માનસિક તણાવનો ભોગ બને છે.
પર્યાવરણના નિર્જીવ તત્ત્વોને અજૈવિક (Abiotic) તત્ત્વો કહેવામાં આવે છે.
તેમાં પાંચ મુખ્ય તત્ત્વો (પંચમહાભૂત) નો સમાવેશ થાય છે: (1) અગ્નિ, (2) જળ, (3) વાયુ, (4) જમીન (પૃથ્વી), અને (5) આકાશ.
આ પાંચ તત્ત્વોની સપ્રમાણતા જીવસૃષ્ટિ માટે અતિ આવશ્યક છે.
નિર્જીવ તત્ત્વો સજીવ તત્ત્વો (વનસ્પતિ, પ્રાણીઓ, કીટાણુઓ) સાથે પરસ્પરાવલંબન ધરાવે છે. હિંદુ સંસ્કૃતિમાં માનવશરીર પણ આ પંચમહાભૂતનું બનેલું માનવામાં આવે છે.
સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ પર્યાવરણના પ્રકારો નીચે મુજબ છે:
લેન્ડિસના મતે (3 પ્રકાર):
પ્રાકૃતિક પર્યાવરણ: સૂર્ય, ચંદ્ર, જળ, વાયુ વગેરે કુદરતી બાબતો.
સામાજિક પર્યાવરણ: માનવી દ્વારા રચાયેલું સામાજિક માળખું.
સાંસ્કૃતિક પર્યાવરણ: રીત-રિવાજો અને પરંપરાઓ.
ઓગબર્ન અને નિમકોફના મતે: પ્રાકૃતિક અને માનવસર્જિત પર્યાવરણ.
મેકાઈવરના મતે (3 પ્રકાર): ભૌતિક, આર્થિક અને સામાજિક પર્યાવરણ.
હવા-પ્રદૂષણ (Air Pollution): વૃક્ષોના છેદન, વાહનો અને ઉદ્યોગોના વિષયારી ધુમાડાને લીધે હવામાં કાર્બન ડાયૉક્સાઇડ અને અન્ય ઝેરી વાયુઓ વધે છે. આનાથી શ્વાસના રોગો, દમ, ચામડીનું કેન્સર અને ઍસિડ-વર્ષા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.
જળ-પ્રદૂષણ (Water Pollution): કારખાનાંઓનું ઝેરી રસાયણોયુક્ત દૂષિત પાણી નદી, તળાવ કે સમુદ્રમાં છોડવાથી શુદ્ધ જળ દૂષિત બને છે. તેનાથી જળચર જીવો નાશ પામે છે અને દૂષિત પાણી વાપરવાથી માનવ આરોગ્ય જોખમાય છે.
ગ્લોબલ વોર્મિંગ (વૈશ્વિક તાપમાન વધારા) ને લીધે વિશ્વ સ્તરે હિમનદીઓ (ગ્લેશિયર્સ) પીગળવા લાગી છે.
સમુદ્રની જળસપાટી ઊંચી આવવાથી ઘણા દ્વીપો અને દરિયાકિનારાના ગામો જળમગ્ન થઈ રહ્યા છે.
વાતાવરણમાં ગરમીનું પ્રમાણ અસહ્ય બન્યું છે અને ઋતુચક્ર ખોરવાઈ જતાં અનિયમિત વરસાદ અને વાવાઝોડા જેવી પ્રાકૃતિક આપત્તિઓ વધી રહી છે.