ધોરણ 11 | విષય: Vanijya
: ઇ-બૅન્કિંગમાં થતાં બિનનાણાકીય વ્યવહારનાં બે ઉદાહરણ નીચે મુજબ છે:
બૅન્કમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું.
ચેકબુકની વિનંતી (Request) કરવી અથવા PIN ચેન્જ કરવો.
(a) ક્રેડિટ કાર્ડ : બૅન્ક વ્યક્તિની શાખનો પદ્ધતિસર અભ્યાસ કરી તેની નાણાં ચૂકવવાની ક્ષમતા નક્કી કરે છે અને તે મુજબ ક્રેડિટ કાર્ડ આપે છે. આ કાર્ડ દ્વારા ગ્રાહક વસ્તુની ખરીદી કરે ત્યારે તેના ખાતામાં નાણાં ઉધાર થાય છે અને વેચનારના ખાતામાં જમા થાય છે. નિશ્ચિત સમયગાળામાં કાર્ડધારકે બૅન્કને રકમ ભરપાઈ કરવાની રહે છે.
(b) ડેબિટ કાર્ડ : ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદીની ચુકવણી આ કાર્ડ દ્વારા કરે છે. વસ્તુની ખરીદી કર્યા બાદ દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે અને જેટલી રકમની ખરીદી કરી હોય તેટલી રકમ કાર્ડધારકના ખાતામાંથી સીધી ઉધાર કરવામાં આવે છે. આ કાર્ડધારક પોતાના ખાતામાં જેટલી રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકે છે.
(c) ATM : આ સેવાનું પૂરું નામ Automated Teller Machine છે. બૅન્કમાં ખાતું ધરાવનાર ગ્રાહકને બૅન્ક ATM કાર્ડ અને સિક્રેટ પિન આપે છે. આ યંત્ર દ્વારા ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ અને દૈનિક મર્યાદામાં રહીને ગમે ત્યારે પોતાના ખાતામાંથી નાણાં ઉપાડી શકે છે. પ્રવર્તમાન સમયમાં અન્ય બૅન્કના ATMમાંથી પણ નાણાં ઉપાડી શકાય છે.
(a) કોલ-મની
જવાબ : દરેક બૅન્કને ઘણી વખત ખૂબ જ ટૂંકાગાળા માટે એટલે કે ચોવીસ કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવાતી હોય છે. આ સમયે અન્ય બૅન્કમાં પડેલા વણવપરાયેલા નાણાં જરૂરિયાત ધરાવતી બૅન્કને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બૅન્ક દ્વારા નિયુક્ત એજન્સી મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. માંગવામાં આવે અને તરત જ મળતી આ રકમને 'કોલ-મની' (CALL MONEY) કહે છે. આ રકમ પર બજારમાં નાણાંની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતા વ્યાજ દરે વ્યાજ ચૂકવવું પડે છે, જેને 'કોલ-મની રેટ' (CALL MONEY RATE) કહે છે.
(b) કોર-બૅન્કિંગ
જવાબ : કોર (CORE) એટલે કે Centralized Online Real-time Exchange. બૅન્કની આ વ્યવસ્થામાં એક જ બૅન્કની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાયેલી હોય છે. બૅન્કના કેન્દ્રિયકૃત સર્વરમાં તમામ શાખાઓના ખાતેદારોનાં ખાતાંઓની માહિતી ઉપલબ્ધ હોય છે. ગ્રાહક દ્વારા થતા વ્યવહારની નોંધ રીયલ ટાઇમમાં કેન્દ્રિયકૃત સર્વરમાં થાય છે અને તે તમામ શાખાઓમાં જોઈ શકાય છે. ખાતેદાર પોતાની મૂળ શાખા ઉપરાંત બૅન્કની ગમે તે શાખામાંથી રોકડ ઉપાડવા, જમા કરવા કે અન્ય વ્યવહારો કરી શકે છે. આ પ્રક્રિયાથી બૅન્ક અને ગ્રાહક બંનેના સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે.
(c) RTGS
જવાબ : RTGS નું પૂરું નામ Real Time Gross Settlement છે. આ પદ્ધતિ દ્વારા ભારત દેશની કોઈ પણ RTGS સભ્ય બૅન્કની શાખામાંથી નાણાં અન્ય કોઈ પણ RTGS સભ્ય બૅન્કમાં ફેરબદલી કરી શકાય છે. આ પદ્ધતિમાં નાણાંની લેવડદેવડ રીયલ ટાઇમ (તે જ સમયે) અને ગ્રોસ સેટલમેન્ટ (વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર) થાય છે. આ સેવા મેળવવા માટે ગ્રાહક અને લાભાર્થી બંને પાસે બૅન્કમાં ખાતું અને 11 ડિજિટનો આલ્ફા-ન્યુમેરિક IFSC કોડ હોવો જરૂરી છે. RBI ના નિયમ મુજબ RTGS દ્વારા ઓછામાં ઓછી ₹ 2 લાખ કે તેથી વધુ રકમની ફેરબદલી તે જ દિવસે કરવામાં આવે છે. નાણાં મોકલનાર પાસેથી કમિશન લેવાય છે પરંતુ નાણાં મેળવનાર (Inward RTGS) પાસેથી કોઈ કમિશન લેવાતું નથી.
(d) NEFT
જવાબ : NEFT નું પૂરું નામ National Electronic Fund Transfer છે. આ પદ્ધતિ દ્વારા NEFT સભ્યપદ ધરાવતી બૅન્કમાંથી ફંડ ભારત દેશની અન્ય NEFT સભ્યપદ ધરાવતી બૅન્કમાં ટ્રાન્સફર કરી શકાય છે. આ એક ઑનલાઇન પદ્ધતિ છે જેમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ ચોક્કસ મર્યાદા નથી. આ વ્યવહારો RBI દ્વારા દર કલાકની બેચ (Batch) પ્રમાણે DNS (Different Net Settlement) પદ્ધતિથી સેટલ થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાકમાં થાય છે. આમાં પણ IFSC કોડની જરૂર પડે છે. ₹ 50,000 કે તેથી ઓછી રકમ કૅશથી NEFT કરી શકાય છે અને વોક-ઇન કસ્ટમર પણ આનો લાભ લઈ શકે છે. નાણાં મોકલનાર પાસેથી કમિશન લેવાય છે પરંતુ નાણાં મેળવનાર પાસેથી કોઈ કમિશન લેવાતું નથી.
(e) M-Banking
જવાબ : મોબાઇલ બૅન્કિંગ (M-Banking) એ એવી સેવા છે જેના દ્વારા બૅન્કમાં પ્રત્યક્ષ ગયા વગર ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા મોબાઇલની મદદથી વિશ્વના કોઈ પણ ખૂણેથી નાણાકીય અને બિનનાણાકીય વ્યવહારો કરી શકાય છે. આ સેવાની મદદથી ખાતામાં રહેલી સિલક (બૅલેન્સ) જાણી શકાય છે, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગૅસ બિલ તેમજ કરવેરા કે અન્ય ચુકવણીઓ કરી શકાય છે તથા એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આ સેવા મેળવવા માટે બૅન્કમાં અરજી કરવી પડે છે ત્યારબાદ બૅન્ક Login ID અને પાસવર્ડ આપે છે. આ વ્યવસ્થામાં સલામતી જાળવવી ખૂબ જ જરૂરી છે.
બૅન્કનાં કાર્યોને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી શકાય છે: (A) મુખ્ય કાર્યો અને (B) ગૌણ કાર્યો.
(A) બૅન્કનાં મુખ્ય કાર્યો :
થાપણો સ્વીકારવી : બૅન્ક જાહેર જનતા પાસેથી અમુક વણવપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે અને તેના પર વ્યાજ ચૂકવે છે. થાપણદારોનો વિશ્વાસ જાળવવો એ બૅન્કની સૌથી મોટી જવાબદારી છે. બૅન્ક મુખ્યત્વે ચાર પ્રકારે થાપણો સ્વીકારે છે: (i) બચત ખાતું, (ii) ચાલુ ખાતું, (iii) રીકરિંગ ખાતું અને (iv) બાંધી મુદતનું ખાતું.
ધિરાણ કરવું : બૅન્ક સ્વીકારેલી થાપણોમાંથી નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને વધુ દરે ધિરાણ કરે છે. થાપણદારોને અપાતા વ્યાજ અને ધિરાણ પર વસૂલાતા વ્યાજના દર વચ્ચેના તફાવતમાંથી બૅન્ક નફો મેળવે છે. બૅન્ક (a) લોન દ્વારા (હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરે) અને (b) ઓવરડ્રાફ્ટ તેમજ કૅશ-ક્રેડિટ દ્વારા ધિરાણ કરે છે.
રોકાણ કરવું : બૅન્ક પોતાની મૂડી અને થાપણોની રકમનું યોગ્ય જગ્યાએ અને સલામત રીતે રોકાણ કરે છે. RBI ના નિયમાનુસાર બૅન્કે કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે જેથી કટોકટીના સમયે તરત રોકડ પ્રાપ્ત થઈ શકે.
આંતર બૅન્કિંગ વ્યવહારો કરવા : બૅન્કોને ખૂબ જ ટૂંકાગાળા માટે (૨૪ કલાક કે તેથી ઓછા સમય માટે) નાણાંની તંગી પડે ત્યારે અન્ય બૅન્કના વણવપરાયેલા નાણાં મધ્યસ્થ બૅન્કની એજન્સી મારફત મેળવાય છે, જેને 'કોલ-મની' (Call Money) કહે છે. આ નાણાં માંગ અને પુરવઠાના આધારે નક્કી થતા વ્યાજ દરે (Call Money Rate) લેવાય કે અપાય છે.
(B) બૅન્કનાં ગૌણ કાર્યો :
ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા : બૅન્ક ગ્રાહકો વતી ચેક સ્વીકારવાનું, નાણાં વસૂલ કરવાનું તેમજ વીજળીનું બિલ, ફોન બિલ, વીમાનું પ્રીમિયમ ભરવા અને એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાનું કાર્ય કરે છે.
હૂંડિયામણને લગતા વ્યવહાર કરવા : આયાત-નિકાસના વેપાર માટે વિદેશી હૂંડિયામણની જરૂર પડે છે. મધ્યસ્થ બૅન્કની પરવાનગી મેળવેલ બૅન્કો વિદેશ વેપાર સાથે સંકળાયેલ દસ્તાવેજો લાવવા-મોકલવાની સેવા આપે છે.
શાખપત્ર આપવા (Letter of Credit) : એક બૅન્ક દ્વારા બીજી બૅન્કને ઉદ્દેશીને લખવામાં આવતો પત્ર છે જેમાં ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવવાની ખાતરી અપાય છે, જે નાણાકીય વ્યવહારોને વિશ્વસનીય બનાવે છે.
ટ્રાવેલર્સ ચેક આપવા : પ્રવાસ દરમિયાન રોકડ નાણાં ખોવાઈ કે ચોરાઈ જવાની ચિંતાથી બચવા માટે ટ્રાવેલર્સ ચેક આપવામાં આવે છે, જે ગમે ત્યાં જઈને સહી કરીને વટાવી શકાય છે.
ડ્રાફ્ટની સેવા આપવી : કોઈ એક બૅન્કે અન્ય બૅન્કની શાખા પર લખેલો ચેક એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ. નાણાં મોકલવા માટે આ એક સલામત માધ્યમ છે.
બૅન્ક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી : બૅન્ક ગ્રાહકની નાણાકીય સધ્ધરતા વિશે જાણકાર હોવાથી બજારમાં શાખના વ્યવહારો માટે સધ્ધરતાનું પ્રમાણપત્ર (Solvency Certificate) આપે છે.
બાંહેધરી દલાલ તરીકેની સેવા આપવી : કંપની જ્યારે મૂડીબજારમાં ભરણા માટે આવે ત્યારે લઘુતમ ભરણાની રકમ મળશે તેવી બૅન્ક બાંહેધરી આપે છે અને ઓછી રકમ ભરાય તો જામીનગીરી ખરીદી લે છે.
અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી : બૅન્ક ગ્રાહકોને ATM, DEMAT, સેફ ડિપૉઝિટ વૉલ્ટ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવી આધુનિક સુવિધાઓ પણ પૂરી પાડે છે.
બૅન્ક જાહેર જનતા પાસેથી વિવિધ પ્રકારની થાપણો સ્વીકારે છે. આ માટે બૅન્ક મધ્યસ્થ બૅન્કના નિયમ મુજબ KYC (Know Your Customer) ની પ્રક્રિયા પૂર્ણ કરીને ફોટાવાળું માન્ય ઓળખકાર્ડ અને રહેઠાણનો પુરાવો મેળવીને નીચે મુજબના ખાતાઓ ખોલે છે:
બચત ખાતું (Savings Account) :
આ ખાતામાં લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણોમાં બચતનું તત્ત્વ સમાયેલું હોય છે. આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું નિશ્ચિત દરે વ્યાજ મળે છે. બૅન્ક આ ખાતામાં ચેકબુક અને ATM કાર્ડ જેવી સુવિધાઓ આપે છે. ખાતેદાર રોકડ, ચેક કે ડ્રાફ્ટ જમા કરાવી શકે છે અને ચેક કે ઉપાડ ચિઠ્ઠીથી નાણાં ઉપાડી શકે છે. આ ખાતામાં ન્યૂનતમ સિલક (Minimum Balance) રાખવી પડે છે અને સામાન્ય રીતે એક મહિનામાં નાણાં ઉપાડવાના વ્યવહારોની સંખ્યા મર્યાદિત હોય છે. આ ખાતું વ્યક્તિ કે સંયુક્ત નામે ખોલાવી શકાય છે જેમાં વારસદારની નિમણૂક થઈ શકે છે.
ચાલુ ખાતું (Current Account) :
આ ખાતું વ્યક્તિઓ અથવા ધંધાકીય એકમો (પેઢી, કંપની વગેરે) દ્વારા ખોલાવવામાં આવે છે. આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે બૅન્ક દ્વારા કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ બૅન્ક ચાર્જિસ વસૂલ કરી શકે છે. આ ખાતામાં ધંધાકીય જરૂરિયાત માટે ધિરાણ (ઓવરડ્રાફ્ટ) ની સુવિધા મળી શકે છે. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવાની સંખ્યાની દૃષ્ટિએ કોઈ મર્યાદા હોતી નથી.
રીકરિંગ ખાતું (Recurring Account) :
બચતના હેતુથી ખોલાવવામાં આવતા આ ખાતામાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતા વધુ અને બાંધી મુદતની થાપણ (Fixed Deposit) ના પ્રમાણમાં ઓછો હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરો થાય ત્યારે બૅન્ક વ્યાજ સહિતની કુલ રકમ ખાતેદારને પરત કરે છે.
બાંધી મુદતનું ખાતું (Fixed Deposit Account) :
બૅન્કો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવો આ એક મોટો સ્રોત છે. બૅન્ક અને થાપણદાર વચ્ચે પૂર્વનિર્ધારિત કરેલ સમયમર્યાદા (મુદત) સુધી થાપણદાર પોતાના નાણાં ઉપાડી શકતો નથી. જો મુદત પહેલાં રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જાય છે. આ ખાતામાં નિશ્ચિત સમય સુધી રકમ અડકાવી શકાતી હોવાથી બચત અને રીકરિંગ ખાતાની સરખામણીમાં વ્યાજનો દર સૌથી વધુ હોય છે. મુદત પૂરી થતાં બૅન્ક વ્યાજ સહિતની રકમ પરત કરવાની લેખિત બાંહેધરી આપે છે.