ધોરણ 12 | విષય: Maths
18મી સદીના મધ્યભાગમાં ભારતમાં વેપારી અને રાજકીય સર્વોપરીતા સ્થાપવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે ભયાનક સંઘર્ષ થયો, જે 'કર્ણાટક વિગ્રહો' તરીકે ઓળખાય છે.
સંઘર્ષનું પૃષ્ઠભૂમિ: ઈ.સ. 1742માં યુરોપમાં ઓસ્ટ્રિયાના વારસાવિગ્રહને કારણે ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ શરૂ થતાં ભારતમાં પણ બંને કંપનીઓ વચ્ચે વિગ્રહ ફાટી નીકળ્યો.
ત્રણ કર્ણાટક વિગ્રહો (1746 - 1763):
પ્રથમ વિગ્રહ (1746-1748): ફ્રેંચ ગવર્નર ડુપ્લેના નેતૃત્વમાં ફ્રેંચોએ મદ્રાસ જીત્યું, પરંતુ યુરોપમાં સંધિ થતાં તે પુનઃ અંગ્રેજોને મળ્યું.
દ્વિતીય વિગ્રહ (1749-1754): હૈદરાબાદ અને કર્ણાટકના આંતરિક વારસાવિગ્રહમાં બંને કંપનીઓએ હસ્તક્ષેપ કર્યો. રોબર્ટ ક્લાઇવની કૂટનીતિથી અંગ્રેજોનો પ્રભાવ વધ્યો અને ડુપ્લેને ફ્રાન્સ પરત બોલાવાયો.
તૃતીય વિગ્રહ (1758-1763): ઈ.સ. 1760ના વાંદીવાસના યુદ્ધમાં અંગ્રેજ સેનાપતિ આયરકૂટે ફ્રેંચોને નિર્ણાયક હાર આપી.
પરિણામો: > * ઈ.સ. 1763ની પૅરિસની સંધિ મુજબ ફ્રેંચોએ પોતાની તમામ વેપારી કોઠીઓ અંગ્રેજોને સોંપી દેવી પડી.
ફ્રેંચોને ભારતમાં કિલ્લેબંધી કરવાની કે સૈન્ય રાખવાની મનાઈ ફરમાવવામાં આવી.
ભારતમાંથી ફ્રેંચ સત્તાનો સદા માટે અંત આવ્યો અને અંગ્રેજો ભારતમાં એકમાત્ર સર્વોચ્ચ યુરોપીય શક્તિ બની ગયા.
પ્રાચીનકાળથી જ ભારતના સુતરાઉ કાપડ, રેશમી વસ્ત્રો, ગળી, ઈમારતી લાકડું અને મરી-મસાલાની યુરોપમાં ખૂબ મોટી માંગ હતી. યુરોપિયનોના આગમનનાં મુખ્ય કારણો નીચે મુજબ હતાં:
કૉન્સ્ટેન્ટિનોપલનું પતન (1453): તુર્કોએ કૉન્સ્ટેન્ટિનોપલ જીતી લેતાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો જમીન માર્ગ બંધ થઈ ગયો.
વેપારી એકાધિકાર: પશ્ચિમ યુરોપના સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોને વેનીસ અને જીનીવાના વેપારીઓ ભારતીય વેપારમાં ઘૂસવા દેતા ન હતા.
નવો જળમાર્ગ શોધવાની ફરજ: મસાલાના વેપાર વગર યુરોપિયનોને ચાલે તેમ ન હોવાથી તેમણે ભારત પહોંચવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી.
ભૌગોલિક શોધખોળો: 15મી સદીમાં જહાજ નિર્માણ, દિશાચૂક યંત્ર અને સાહસિક વૃત્તિને કારણે ભૌગોલિક શોધો થઈ. ઈ.સ. 1498માં પોર્ટુગીઝ નાવિક વાસ્કો-ડી-ગામાએ ભારત આવવાનો નવો સામુદ્રિક માર્ગ શોધ્યો.
અઢળક નફો: પોર્ટુગીઝોની સફળતા અને ભારત સાથેના વેપારમાં મળતા અઢળક નફાથી પ્રેરાઈને ડચ, બ્રિટિશ અને ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ ભારતમાં આવી.
પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 ના રોજ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા અને અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ વચ્ચે લડાયું હતું. ભારતીય ઇતિહાસમાં તેનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે:
બ્રિટિશ સત્તાનો પાયો: પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ રાજકીય સત્તાનો વાસ્તવિક પ્રારંભ થયો.
વિશ્વાસઘાત અને હાર: મીરજાફર, સેનાપતિ રાયદુર્લભ અને અમીચંદ જેવા ગદ્દારોની મદદથી ક્લાઇવે સિરાજ-ઉદ્-દૌલાને હરાવ્યો અને તેની હત્યા કરાવવામાં આવી.
આર્થિક સમૃદ્ધિ: યુદ્ધ પછી અંગ્રેજોએ મીરજાફરને કઠપૂતળી નવાબ બનાવ્યો અને બંગાળમાંથી પુષ્કળ ધન અને મહેસૂલ મેળવ્યું, જેનાથી કંપનીની આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત થઈ.
ભારત માટે કાળરાત્રિ: કવિ નવીનચંદ્ર સેને નોંધ્યું છે કે, "આ પ્રસંગથી ભારત કાયમી દુઃખની કાળરાત્રિમાં સપડાયું."
સામ્રાજ્યનો વિસ્તાર: બંગાળ પર અંકુશ મળતાં અંગ્રેજોને ભારતના અન્ય પ્રદેશો જીતવા માટે જરૂરી સંસાધનો અને નાણાં મળી રહ્યા.
બક્સરનું યુદ્ધ (22 ઓક્ટોબર 1764):
કારણો:
મીરજાફર પછી નવાબ બનેલો મીરકાસીમ એક શક્તિશાળી અને સ્વતંત્ર મિજાજનો શાસક હતો. તેણે લશ્કરનું આધુનિકીકરણ કર્યું અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પ્રયત્ન કર્યો.
અંગ્રેજો વેપારી કરચોરી કરતા હતા, જેથી મીરકાસીમે દેશી અને વિદેશી તમામ વેપારીઓ માટે કર નાબૂદ કરી દીધો. આથી ક્રોધે ભરાયેલા અંગ્રેજોએ ઈ.સ. 1763માં મીરકાસીમને હરાવ્યો.
મીરકાસીમે અવધ ભાગીને અવધના નવાબ સુજા-ઉદ્-દૌલા અને મુઘલ બાદશાહ શાહઆલમ બીજા સાથે મળીને ત્રિપૂટી સેના બનાવી અંગ્રેજો સામે યુદ્ધ આદર્યું.
પરિણામો:
બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની સેનાએ ત્રણેય સંયુક્ત સત્તાઓને આકરી હાર આપી.
અંગ્રેજો બંગાળ, બિહાર અને ઓરિસ્સાના વાસ્તવિક શાસક બન્યા અને તેમને દીવાની અધિકારો (મહેસૂલ ઉઘરાવવાનો હક) મળ્યા.
બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ ની શરૂઆત થઈ.
આ યુદ્ધે સાબિત કર્યું કે બ્રિટિશ સેના લશ્કરી દ્રષ્ટિએ ભારતની શ્રેષ્ઠ સત્તા હતી.
ઈ.સ. 1848માં ભારતના ગવર્નર જનરલ તરીકે આવેલા લોર્ડ ડેલહાઉસીએ સામ્રાજ્યવાદી નીતિ અપનાવીને ભારતીય રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભ ભેળવવા 'ખાલસા નીતિ' (Doctrine of Lapse) અમલમાં મૂકી.
મુખ્ય નિયમ (અપુત્ર રાજાઓનું ખાલસા): જો કોઈ દેશી રાજ્યનો રાજા પુત્ર વારસદાર વગર (અપુત્ર) મૃત્યુ પામે, તો તેને દત્તક પુત્ર લેવાનો અધિકાર ન હતો અને તેનું રાજ્ય બ્રિટિશ સામ્રાજ્યમાં વિલીન (ખાલસા) કરી દેવામાં આવતું.
ખાલસા કરેલાં રાજ્યો: > * અપુત્ર મૃત્યુ પામવાથી: સતારા (1848), નાગપુર (1854), ઝાંસી (1854), જેતપુર, સંબલપુર વગેરે.
ગેરવહીવટના બહાને: અવધ (1856)ને અરાજકતાનું બહાનું બતાવીને ખાલસા કરાયું.
ઉપાધિ અને પેન્શનનો અંત: ડેલહાઉસીએ સુરત, કર્ણાટક અને તંજૌરના રાજાઓની પદવીઓ છીનવી લીધી તથા પેશ્વા બાજીરાવ બીજાના દત્તક પુત્ર નાનાસાહેબનું પેન્શન બંધ કરી દીધું.
પરિણામ: આ ખાલસા નીતિના કારણે ભારતીય રાજાઓ અને પ્રજામાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો, જે ઈ.સ. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ બન્યો.
ઈ.સ. 1765માં બક્સરના યુદ્ધ પછી રોબર્ટ ક્લાઇવે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં મૂકી. આ પદ્ધતિમાં:
સત્તા (મહેસૂલ અને સંરક્ષણ): ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતી.
જવાબદારી (વહીવટ અને ન્યાય): બંગાળના કઠપૂતળી નવાબ પાસે હતી.
સત્તા વગરની જવાબદારી (નવાબ) અને જવાબદારી વગરની સત્તા (કંપની) વાળી આ વ્યવસ્થાને 'દ્વિમુખી શાસન પદ્ધતિ' કહે છે, જેનાથી બંગાળનું ભયંકર શોષણ થયું.
અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કુલ ત્રણ વિગ્રહ થયા:
પ્રથમ વિગ્રહ (1775-1782): સાલબાઈની સંધિથી અંત આવ્યો.
દ્વિતીય વિગ્રહ (1803-1805): વેલેસ્લીની સહાયકારી યોજના દ્વારા મરાઠા સરદારો નિર્બળ બન્યા.
તૃતીય વિગ્રહ (1817-1818): લોર્ડ હેસ્ટિંગ્સે પેશ્વા, ભોંસલે અને હોલ્કરની સંયુક્ત સેનાને હરાવી પેશ્વાપદ નાબૂદ કર્યું અને પેશ્વાને બિઠુર મોકલી આપ્યા. આ સાથે મરાઠા સત્તાનો અંત આવ્યો.
18મી સદીમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બનતાં બંગાળમાં સ્વતંત્ર શાસકો આવ્યા:
મુરશીદકુલી ખાં (1717): બંગાળમાં સ્વતંત્ર શાસનની સ્થાપના કરી.
શુઝાઉદ્દીન અને અલીવર્દી ખાં: તેમણે વેપાર-વાણિજ્યનો વિકાસ કર્યો અને અંગ્રેજો-ફ્રેંચોને કિલ્લેબંધી કરતા રોક્યા.
સિરાજ-ઉદ્-દૌલા: પ્લાસીના યુદ્ધ (1757)માં અંગ્રેજો સામે હાર્યો.
મીરજાફર અને મીરકાસીમ: કઠપૂતળી શાસકો બન્યા; અંતે બક્સરના યુદ્ધ (1764) પછી બંગાળ પર સંપૂર્ણપણે અંગ્રેજોનું શાસન સ્થપાયું.
યુરોપીય કંપનીઓએ ભારતના વિવિધ કાંઠાના વિસ્તારોમાં વેપારી કોઠીઓ (વસાહતો) સ્થાપી હતી:
પોર્ટુગીઝ: કાલીકટ, કોચીન, ગોવા, દીવ અને દમણ.
ડચ (હોલેન્ડ): સુરત, ભરૂચ, ખંભાત, અમદાવાદ, નાગપટ્ટમ, મસુલીપટ્ટમ, ચીનસુરા અને પટણા.
અંગ્રેજ: સુરત, મુંબઈ, મદ્રાસ (ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ), કોલકાતા (ફૉર્ટ વિલિયમ), બાલાશોર.
ફ્રેંચ: પાંડીચેરી, ચંદ્રનગર, માહે, કરાઇકલ.
કારણો: અંગ્રેજોને ભય હતો કે રશિયા અફઘાનિસ્તાન અને સિંધના રસ્તે ભારત પર આક્રમણ કરશે. આ ઉપરાંત સિંધુ નદી વેપાર માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વની હતી.
પરિણામો: સંધિઓ કર્યા છતાં, ઈ.સ. 1843માં સર ચાર્લ્સ નેપિયરે આક્રમણ કરીને સિંધ પર કબ્જો કર્યો અને તેને બ્રિટિશ સામ્રાજ્યમાં વિલીન કરી દીધું.